દિવસ 11 પ્રવચન

શિબિર પૂરું થયા પછી કેવી રીતે અભ્યાસ ચાલુ રાખવો

એક એક દિવસ કરતાં કરતાં, આપણે આ શિબિર સમાપન દિવસ પર આવી ગયા. જ્યારે તમે કામ શરૂ કર્યું હતું, તમને આ વિદ્યા પ્રત્યે અને શિબિરના નિયમો પ્રત્યે પૂર્ણ રૂપે આત્મ સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સમર્પણ સિવાય, તમે આ પદ્ધતિની નિષ્પક્ષ અજમાયશ ના કરી શકત. હવે દસ દિવસ પૂરા થયા, તમે તમારા પોતાના માલિક છો. જ્યારે તમે તમારા ઘરે પાછા જશો, ત્યારે તમે અહીં શું કર્યું તેની શાંતિથી સમીક્ષા કરજો. જો તમને લાગે કે તમે જે અહીં શીખ્યા છો તે તમારા માટે અને બીજાઓ માટે વ્યાવહારિક, અર્થપૂર્ણ, અને લાભકારી લાગે છે, તો તમારે એનો સ્વીકાર કરવો જોઈએ—એટલા માટે નહિઁ કે કોઈએ તમને એવું કરવા કહ્યું છે, પણ તમારી સ્વેચ્છાએ, તમારા પોતાની સંમતિથી; ફક્ત દસ દિવસ માટે નહિઁ પણ તમારા આખા જીવન માટે.

સ્વીકાર ફક્ત બૌદ્ધિક સ્તરે કે ભાવાવેશના સ્તરે ના હોય. આપણે ધર્મનો સ્વીકાર વાસ્તવિક સ્તર પર જીવનમાં ઉતારી કરવાનો હોય છે, પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવી, કારણ કે ફક્ત ધર્મનો વાસ્તવિક અભ્યાસ જ દૈનિક જીવનમાં પ્રત્યક્ષ લાભ લાવે છે.

ધર્મનો અભ્યાસ કેવી રીતે કરવો- શીલ-સદાચારનું, મનના માલિક હોવાનું, શુદ્ધ મનનું જીવન કેવી રીતે જીવવું, એ શીખવા તમે આ શિબિર જોડાયા હતા. રોજ સાંજે, ફક્ત પદ્ધતિની સ્પષ્ટતા માટે ધર્મનું પ્રવચન આપવામાં આવતું. એ સમજવું જરૂરી છે કે આપણે શું કરી રહ્યા છીએ અને કેમ, જેથી આપણે મુંજવણમાં ના મુકાઇ જઈએ અથવા ખોટી રીતે કામ ના કરીએ. પણ, અભ્યાસની સમજ આપતાં સિદ્ધાંતના અમુક પાસાં અનિવાર્યપણે ઉલ્લેખમાં આવતાં, અને કારણ કે જુદા-જુદા લોકો જુદી-જુદી પૃષ્ઠભૂમિમાં થી આવતા હોય છે, એ તદ્દન શક્ય છે કે અમુક લોકોને સિદ્ધાંતનો કોઈ ભાગ અસ્વીકાર્ય લાગ્યો હોય. જો એવું હોય, તો કોઈ વાંધો નથી, એને બાજુ પર મૂકી દો. વધુ મહત્ત્વનું ધર્મનો અભ્યાસ છે. બીજાઓને હાનિ ના થાય એવું જીવન જીવવા પ્રત્યે, પોતાના મન પર કાબૂ પામવા પ્રત્યે, મનને વિકારોથી મુક્ત કરવા પ્રત્યે અને મૈત્રી એવં કરુણા જગાડવા પ્રત્યે કોઈને પણ વાંધો ના હોય. અભ્યાસ સાર્વજનીન રીતે સૌને સ્વીકાર્ય છે, અને આ ધર્મનું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પાસું છે, કારણકે આપણને જે કઈં લાભ થશે તે સિદ્ધાંતોથી નથી થવાનો પણ અભ્યાસથી, ધર્મને પોતાના જીવનમાં ઉતારીને.

દસ દિવસમાં તો આપણે વિદ્યાની એક ઝાંખી રૂપરેખા જ જાણી શકીએ છીએ; આટલા જલ્દી એમાં આપણે નિષ્ણાત થવાની અપેક્ષા ના રાખી શકીએ. પણ તેમ છતાંય આ નાનકડા અનુભવનું અવમૂલ્યન ના કરાય: તમે પહેલું પગલું લીધું છે, એક બહુજ મહત્ત્વપૂર્ણ પગલું, યાત્રા તો લાંબી છે-- ખરેખર તો આ જીવનભરનું કામ છે.

ધર્મનું બીજ રોપાયું છે, અને છોડ ઉગવાનો શરૂ થયો છે. એક સારો માળી નાના છોડની ખાસ દેખભાળ કરે છે, અને કારણ કે એની સેવા કરી છે, એ નાનો છોડ ધીમે ધીમે ખૂબ ઊંડા મૂળિયાં અને જાડા થડ વાળા વિશાળ વૃક્ષમાં પરિણમે છે. ત્યારબાદ એ વૃક્ષ એના બાકીના પૂરા જીવનભર આપ્યા જ કરે છે, સેવા લેવાને બદલે સેવા આપતું જ રહે છે.

ધર્મના આ નાના છોડને અત્યારે સેવાની જરૂર છે. સિદ્ધાંત, જેના પ્રત્યે અમુક લોકોને વાંધો હોય, અને અભ્યાસ, જે સૌ માટે સ્વીકાર્ય છે, તે બંને વચ્ચે તફાવત કરતા રહી, ધર્મના આ નાના છોડને બીજાઓની ટીકાઓથી બચાવતા રહેશો. આવી ટીકાઓને તમારા અભ્યાસમાં અવરોધ ના બનવા દેશો. એક કલાક સવારે અને એક કલાક સાંજે ધ્યાન કરતા રહેજો. આ નિયમિત દૈનિક અભ્યાસ અનિવાર્ય છે. શરૂઆતમાં દિવસમાં બે કલાક ધ્યાનને અર્પણ કરવા ભારરૂપ લાગી શકે છે, પણ થોડા સમયમાં જ તમે જોશો કે હવે ઘણો સમય બચી જાય છે જે ભૂતકાળમાં વેડફાઇ જતો હતો. એક તો તમારે ઊંઘ માટે ઓછો સમય જોઈશે. બીજું, તમે તમારું કામ વધારે ઝડપથી પૂરું કરી શકશો, કારણ કે તમારી કામ કરવાની ક્ષમતા વધી જશે. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે તમે સંતુલિત રહેશો, અને તરત સાચો ઉકેલ શોધી શકશો. જેમ જેમ તમે વિદ્યામાં સ્થાપિત થતા જશો, તમે જોશો કે સવારે ધ્યાન કરી લેવાથી તમે દિવસભર વ્યાકુળતા વિના ઉત્સાહથી ભરાયેલા રહો છો.

જ્યારે તમે રાત્રે સુવા જાઓ છો, ત્યારે ઊંઘી જતાં પહેલા પાંચ મિનિટ માટે શરીરમાં ક્યાંય પણ થતી સંવેદનાઓની જાણકારી રાખો. બીજા દિવસે સવારે, જેવા તમે જાગો, ફરી પાછું પાંચ મિનિટ માટે શરીરની સંવેદનાઓને જાણો. આ થોડી મિનિટોનું ધ્યાન, સૂતાં પહેલાં અને ઉઠતાંવેંત, ખૂબ મદદરૂપ સાબિત થશે.

જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં બીજા વિપશ્યી સાધકો રહે છે, તો અઠવાડિયામાં એક વાર સાથે બેસી ધ્યાન કરો. અને વર્ષમાં એક વાર, દસ દિવસની શિબિર અનિવાર્ય છે. દૈનિક અભ્યાસ, તમે જે અહીં પ્રાપ્ત કર્યું છે તેને જાળવી રાખવા, તમને સક્ષમ બનાવશે, પણ ઊંડાણમાં જવા માટે દસ દિવસની શિબિર જરૂરી છે; હજુ લાંબો રસ્તો કાપવાનો છે. જો તમે આવી રીતે આયોજિત શિબિરમાં ભાગ લઈ શકો છો તો તે ઉત્તમ છે. જો તમે એવું નથી કરી શકતા, તો પણ તમે તમારું પોતાનું શિબિર લગાવી શકો છો. દસ દિવસ માટે સ્વયં શિબિર લગાવો, જ્યાં તમે બીજાઓથી અલગ રહી શકો, અને જ્યાં તમને કોઈ તમારું ભોજન બનાવી આપે. તમને પદ્ધતિ, સમય સારણી, નિયમો તો ખબર જ છે; હવે તમારે જાતે જ એ બધાનું પાલન કરવાનું છે. જો તમે પહેલેથી તમારા આચાર્ય ને જાણ કરી શકો તો તેઓ તમને યાદ કરી તેમની સદ્ભાવનાની મૈત્રી તરંગો તમને મોકલી આપશે; આ સ્વસ્થ વાતાવરણ ઉભું કરવામાં મદદ કરશે, જેમાં તમે સારી રીતે કામ કરી શકશો. પણ જો તમે તમારા આચાર્યને જાણ નથી કરી, તો તમને નબળાઈ ના લાગવી જોઈએ. ધર્મ પોતેજ આપણું રક્ષણ કરે છે. ધીમે ધીમે તમારે આત્મ-નિર્ભરતાના તબક્કે પહોંચવાનું જ છે. આચાર્ય તો માત્ર માર્ગદર્શક છે; તમારે તમારા પોતાના જ માલિક થવાનું છે. પૂરો સમય કોઈના પર નિર્ભર રહેવું એ કોઈ મુક્તિ નથી.

અભ્યાસને જાળવી રાખવા રોજનું બે કલાકનું ધ્યાન અને વર્ષમાં એક દસ દિવસની શિબિર તો ઓછામાં ઓછું છે. જો તમારી પાસે વધારે ખાલી સમય હોય તો તેનો ઉપયોગ ધ્યાન કરવામાં લગાવો. તમે ટૂંકા શિબિરો લગાવી શકો છો, જેમ કે અઠવાડિયાનું, અથવા થોડા દિવસોનું, અથવા ફક્ત એક દિવસનું. આવા ટૂંકા શિબિરોમાં, પહેલાં એક તૃતીયાંશ સમય આનાપાનના અભ્યાસને ફાળવો, અને પછી બાકીનો સમય વિપશ્યના માટે.

તમારા રોજના ધ્યાનમાં, મોટા ભાગનો સમય તો વિપશ્યનાના અભ્યાસ માટે જ ઉપયોગમાં લેવો. ફક્ત જ્યારે તમારું મન વ્યાકુળ હોય અથવા તંદ્રિલ હોય, કોઈ કારણસર સંવેદનાઓને જાણવું કે સમતા જાળવવું મુશ્કેલ લાગતું હોય, ત્યારે જેટલી વાર સુધી જરૂર લાગે આનાપાનનો અભ્યાસ કરવો.

જ્યારે વિપશ્યનાનો અભ્યાસ કરતા હોઈએ, સંવેદનાઓની રમત ના થઈ જાય એનું ધ્યાન રાખજો, સુખદ સંવેદના સાથે ખુશ થવું અને દુખદ સંવેદના સાથે ઉદાસ થવું. દરેક સંવેદનાનો અનુભવ સમતા સાથે થાય. તમારું ધ્યાન આખા શરીરમાં એક એક અંગ પર પદ્ધતિસર લેતા જાઓ, કોઈ એક અંગ પર લાંબો સમય સુધી રોકાયા વિના. એક અંગ પર વધુમાં વધુ બે મિનિટ બહુ છે, અથવા પાંચ મિનિટ સુધી કોઈ કોઈ અસાધારણ કિસ્સામાં, પણ તેનાથી વધુ ક્યારેય નહિઁ. શરીરના દરેક અંગ પર સંવેદનાની જાણકારી બનાવી રાખવા મનનું ધ્યાન એક એક અંગ પર આગળ વધારતા રહો. જો અભ્યાસ યાંત્રિક થવાનો શરૂ થાય, તમારી ધ્યાન લઈ જવાની પદ્ધતિને બદલી નાખો. દરેક પરિસ્થિતિમાં સજગ અને તટસ્થ રહો, અને તમે વિપશ્યનાના અદ્ભુત લાભનો અનુભવ કરશો.

સક્રિય દૈનિક જીવનમાં પણ તમારે વિદ્યાનો ઉપયોગ કરવો જોઈએ, ફક્ત આંખો બંધ કરીને બેસીએ ત્યારેજ નહિઁ. જ્યારે તમે કામ કરી રહ્યા છો, પૂરું ધ્યાન તમારા કામ પર હોવું જોઈએ, એને તમારું અત્યારનું ધ્યાન સમજો. પણ જો ખાલી સમય હોય, પાંચ કે દસ મિનિટ માટે પણ, સંવેદનાની જાણકારી રાખવામાં તેનો ઉપયોગ કરો; જ્યારે તમે ફરી કામ શરૂ કરશો, તમને ફરી તાજગી લાગશે. છતાંય ધ્યાન રાખજો કે જ્યારે તમે જાહેરમાં ધ્યાન કરો છો, એવા લોકો વચ્ચે જેઓએ વિપશ્યના નથી કરી, ત્યારે તમારી આંખો ખુલ્લી રાખજો; ધર્મના અભ્યાસનું ક્યારેય પ્રદર્શન ના કરશો.

જો તમે વિપશ્યનાનો અભ્યાસ બરાબર કરો છો, તો તમારા જીવનમાં સારા માટે બદલાવ આવવો જ જોઈએ. તમારે દૈનિક પરિસ્થિતિઓમાં તમારા વ્યવહારને જોતાં, તમારા વર્તનનું અને બીજાઓ સાથે લેવડ-દેવડનું આત્મ-નિરીક્ષણ દ્વારા માર્ગ પર તમારી પ્રગતિને પરખતા રહેવું જોઈએ. બીજાઓને હાનિ પહોંચાડવાની જગ્યાએ, તમે તેમને મદદ કરવાનું શરૂ કર્યું છે? જ્યારે અણગમતી પરિસ્થિતિઓ ઘટે છે, ત્યારે તમે સંતુલિત રહો છો? જો મનમાં નકારાત્મકતા જાગે છે તો તમે કેટલા જલ્દી એના પ્રત્યે સજગ થઈ જાઓ છો? તમે કેટલા જલ્દી નકારાત્મકતા સાથે ઉત્પન્ન થતી સંવેદનાઓ પ્રત્યે સજગ થઈ જાઓ છો? તમે કેટલા જલ્દી સંવેદનાઓની જાણકારી રાખવાનું શરૂ કરી દો છો? કેટલા જલ્દી તમે મનનું સંતુલન પાછું મેળવો છો, અને મૈત્રી અને કરુણા જગાડવાનું શરૂ કરી દો છો? આવી રીતે તમારી જાતને પરખતા રહો, અને માર્ગ પર પ્રગતિ કરતા રહો.

તમે અહીં જે કઈં પ્રાપ્ત કર્યું છે, એને ફક્ત સાચવી જ ના રાખશો, પણ એનું સંવર્ધન કરજો. ધર્મને તમારા જીવનમાં ઉતારતા રહેજો. આ વિદ્યાના બધા લાભનો આનંદ માણજો, અને સુખી, શાંતિમય, સૌહાર્દપૂર્ણ જીવન જીવશો, જે તમારા માટે અને સૌ માટે સારું હોય.

ચેતવણીના બે શબ્દ: તમે અહીં જે શીખ્યા છો એના વિષે બીજાઓને કહી શકો છો; ધર્મમાં કોઈ વાત ગોપનીય તો નથી. પણ આ તબક્કા પર, બીજાને આ પદ્ધતિ શીખવાડવાનો પ્રયત્ન ના કરતા. એવું કરતાં પહેલાં, આપણે પોતે અભ્યાસમાં પરિપક્વ હોવા જોઈએ, અને શીખવાડવા માટે પ્રશિક્ષણ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. અન્યથા, એમાં જોખમ છે કે બીજાઓની મદદ કરવાની જગ્યાએ એમની હાનિ કરી બેસીએ. તમે જેને વિપશ્યના વિષે કહયું છે એવું કોઈ જો વિપશ્યનાનો અભ્યાસ કરવા માંગે છે, તો એને આવી આયોજિત વિપશ્યનાની શિબિરમાં જ્યાં યોગ્ય માર્ગદર્શન ઉપલબ્ધ છે તે જોડાવા તેને પ્રોત્સાહિત કરો. અત્યાર માટે તો ધર્મમાં સ્થિત થવા માટે કામ કરતા રહો. ધર્મમાં પ્રગતિ કરતા રહો, અને તમે જોશો કે તમારા જીવનના ઉદાહરણથી તમે બીજાઓને માર્ગ પર ચાલવા સ્વતઃ આકર્ષિત કરશો.

ધર્મ વિશ્વભરમાં ફેલાય, લોકોના ભલા માટે, લોકોના કલ્યાણ માટે.

સૌનું મંગળ થાય, સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય!