દિવસ 9 પ્રવચન

વિદ્યાનો રોજિંદા જીવનમાં ઉપયોગ - દસ પારમીઓ

નવ દિવસ પૂરા થયા. હવે સમય થયો છે કે આ વિદ્યાનો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની ચર્ચા કરીએ. આ સૌથી મહત્ત્વનું છે. ધર્મ તો જીવન જીવવાની કળા છે. જો આપણે એનો રોજિંદા જીવનમાં ઉપયોગ નથી કરી શકતા, તો શિબિરમાં આવવું પણ કોઈ ક્રિયા-કર્મકાંડ કરવા જેવું થઈ જશે.

દરેક વ્યક્તિએ અણગમતી ઘટનાઓનો સામનો કરવો પડે છે. જ્યારે પણ કાંઇ અણગમતું થાય છે, આપણે આપણા મનનું સંતુલન ખોઈ દઈએ છીએ, અને નકારાત્મકતા જગાડવાનું શરૂ કરી દઈએ છીએ. અને જ્યારે પણ મન પર નકારાત્મકતા જાગે છે, આપણે દુખી થઈએ છીએ. કેવી રીતે આપણે નકારાત્મકતા ના ઉત્પન્ન કરીએ, ટેન્શન ના કરીએ? કેવી રીતે આપણે શાંત અને સૌમ્ય રહી શકીએ?

આપણા દેશના સંતો જેમણે મન અને શરીરની સચ્ચાઈ પોતાની અંદર શોધવાનું શરૂ કર્યું તેમણે સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો: જ્યારે પણ કોઈપણ કારણસર મન પર નકારાત્મકતા જાગે છે આપણે મનને બીજા કોઈ આલંબનમાં વાળી દેવું જોઈએ. ઉદાહરણ તરીકે, આપણે ઊભા થઈ થોડું પાણી પી લીધું, ગણતરી શરૂ કરી દીધી, અથવા કોઈ દેવી-દેવતા, સંત પુરુષ જેમનામાં આપણને શ્રદ્ધા છે તેમનું નામ જપવાનું શરૂ કરી દીધું. મનને બીજી તરફ વાળી દેવાથી આપણે નકારાત્મકતાથી બહાર નીકળી જઈશું.

કામમાં લેવાય તેવો ઉકેલ છે. પરંતુ અંદરની સચ્ચાઈની શોધખોળ કરનાર બીજા લોકો ખૂબ ઊંડાણ સુધી, અંતિમ સત્ય સુધી ગયા. આવા બોધિ પ્રાપ્ત વ્યક્તિઓએ જોયું કે મનને બીજી તરફ વાળી દેવાથી આપણે મનની સપાટી પર તો શાંતિ અને સૌહાર્દ લાવીએ છીએ, પણ આપણે જાગેલી નકારાત્મકતાનું ઉન્મૂલન નથી કર્યું. આપણે ફક્ત તેને દબાવી દીધી છે. અંતરમનના બેભાન સ્તર પર નકારાત્મકતા વધતી જાય છે અને મજબૂતી પકડતી જાય છે. વહેલા - મોડા, નકારાત્મકતાના આ સુષુપ્ત જ્વાળામુખી ફાટી નીકળશે અને મન પર હાવી થઈ જશે. જ્યાં સુધી નકારાત્મકતા છે, છો અંતરમનના સ્તર પર હોય, તો પણ ઉકેલ આંશિક જ છે, કામચલાઉ, અલ્પકાલિક.

સંપૂર્ણ બોધિ પ્રાપ્ત કરેલ વ્યક્તિ સાચો ઉકેલ શોધે છે: સમસ્યાથી ભાગી ના જશો, તેનો સામનો કરો. જે પણ નકારાત્મકતા મન પર જાગી છે તેની જાણકારી બનાવી રાખીએ. તેની જાણકારી રાખવાથી આપણે તેને દબાવી નથી દેતા, અને ના તો આપણે એને શારીરિક અથવા વાચિક કર્મથી અભિવ્યક્તિની ખુલ્લી છૂટ આપીએ છીએ. આ બે અતિઓની વચ્ચે મધ્યમ માર્ગ છે: કેવળ જાણકારી રાખવું, જાગરુકતા. જ્યારે આપણે તેની જાણકારી રાખવાનું શરૂ કરીએ છીએ, નકારાત્મકતા એનું બળ ખોઈ દે છે અને મન પર હાવી થયા વિના જતી રહે છે. ફક્ત એટલું જ નહીં, પરંતુ જૂના સંગ્રહમાંથી એવા જ પ્રકારની અમુક અશુદ્ધિનું પણ ઉન્મૂલન થઈ જશે. જ્યારે પણ મનની સપાટી પર, સભાન અવસ્થામાં, કોઈ વિકાર શરૂ થાય છે, આપણા અંતરમન પરથી એવા જ પ્રકારના વિકાર જૂના સંગ્રહમાંથી ઉભરાય છે, વર્તમાન વિકાર સાથે જોડાઈ જાય છે, અને વધવા લાગે છે. જો આપણે ફક્ત જાણકારી બનાવી રાખીએ છીએ, ફક્ત વર્તમાન વિકાર જ નહીં પરંતુ જૂના સંગ્રહના થોડા ભાગનું પણ ઉન્મૂલન થઈ જશે. આવી રીતે, ધીમે ધીમે બધા જ વિકારોનું ઉન્મૂલન થઈ જશે, અને આપણે દુખથી મુક્ત થઇ જઈએ છીએ.

પણ એક સામાન્ય વ્યક્તિ માટે મનના વિકારોની જાણકારી રાખવું સહેલું નથી. આપણને એ ખબર નથી પડતી કે એ ક્યારે શરૂ થાય છે અને કેવી રીતે મન પર હાવી થઈ જાય છે. જ્યાં સુધી તે મનના સભાન અવસ્થા પર આવે છે, તે એટલો સશક્ત થઈ ગયો હોય છે કે પ્રતિક્રિયા કર્યા વિના તેની જાણકારી નથી થઈ શકતી. અને કોઈ વ્યક્તિ વિકારની જાણકારી રાખવાનો પ્રયત્ન કરે પણ છે તો મનના અમૂર્ત વિકાર જેમ કે અમૂર્ત ક્રોધ, અમૂર્ત ભય, અમૂર્ત વાસનાની જાણકારી કરવું ઘણું અઘરું છે. અને એમ કરવામાં આપણું ધ્યાન વિકાર ઉત્પન્ન કરનાર બહારના આલંબન તરફ જાય છે જે ફક્ત વિકારના વધવાનું કારણ બને છે.

પરંતુ, બોધિ પ્રાપ્ત વ્યક્તિઓએ શોધી કાઢ્યું કે જ્યારે પણ મન પર વિકાર જાગે છે, એકી સાથે શરીરના સ્તર પર બે ઘટનાઓ શરૂ થાય છે: શ્વાસ એની સ્વાભાવિક ગતિ ખોઈ દે છે અને શરીરની અંદર કોઈ જીવરાસાયણિક પ્રક્રિયા, સંવેદના, ચાલુ થાય છે. એક વ્યવહારુ ઉકેલ મળી ગયો. મન પર અમૂર્ત વિકારોને જાણવું ઘણું અઘરું છે, પણ પ્રેક્ટિસ કરીને થોડા સમયમાં જ આપણે શ્વાસ અને સંવેદના જેમાં વિકારોનું શારીરિક પ્રગટીકરણ સમાએલું છે તેમને જાણવાનું શીખી શકીએ છીએ. વિકારને એના ભૌતિક સ્વરૂપમાં જાણીને આપણે તેના ઉત્પન્ન થવાને અને નાશ પામવાને કોઈ હાનિ કર્યા વિના થવા દઈએ છીએ. આપણે વિકારથી મુક્ત થઈએ છીએ.

આ વિદ્યામાં નિપુણ થવામાં વાર લાગે છે, પણ જેમ જેમ આપણે પ્રેક્ટિસ કરીએ છીએ, ધીમે ધીમે આપણે જોઈએ છીએ કે બહારની દુનિયાની વધારે ને વધારે ઘટનાઓમાં જ્યાં આપણે નકારાત્મકતાની પ્રતિક્રિયા કરી હોત એની જગ્યાએ હવે આપણે સંતુલિત રહી શકીએ છીએ. કદાચ આપણી પ્રતિક્રિયા થઈ પણ જાય, તો હવે તે એટલી તીવ્ર અથવા લાંબા ગાળાની નહીં હોય જેટલી ભૂતકાળમાં હોત. એક સમય એવો આવશે જ્યારે, ખૂબ ઉશ્કેરણીજનક પરિબળો વચ્ચે પણ આપણે શ્વાસ અને સંવેદના દ્વારા અપાયેલ ચેતવણી તરફ ધ્યાન આપી શકીશું, અને તેમની જાણકારી બનાવી રાખીશું, છો થોડી ક્ષણો માટે પણ. આ આત્મ-નિરીક્ષણની થોડીક ક્ષણો પણ બહારના ઉશ્કેરણીજનક આલંબન અને આપણી પ્રતિક્રિયા વચ્ચે આંચકો ઝીલવાનું કામ કરશે. આંધળી પ્રતિક્રિયા કરવાને બદલે, મન સંતુલિત રહે છે, અને આપણે સકારાત્મક પગલાં લેવા માટે સક્ષમ રહીએ છીએ જે આપણી પોતાની અને બીજાઓની મદદ કરે છે.

પોતાની અંદરની સંવેદનાઓની જાણકારી રાખીને આપણે આપણા વિકારોનું ઉન્મૂલન કરવા અને મનના સ્વભાવને બદલવા તરફ પહેલું પગલું લઈ લીધું છે.

જ્યાર થી આપણો જન્મ થયો ત્યારથી આપણને હમેશા બહિર્મુખી જ બહિર્મુખી રહેવાનું શીખવાડવામાં આવ્યું છે. આપણે ક્યારેય પોતાની અંદર નથી જોતા, અને એટલા માટે, આપણે પોતાની સમસ્યાઓના ઊંડાણમાં નથી જઈ શકતા. એના બદલે, આપણે પોતાના દુખનું કારણ બહાર બહાર શોધીએ છીએ, આપણા દુખ માટે બીજાઓને દોષી માનીએ છીએ. આપણે ઘટનાઓને એક જ આયામથી જોઈએ છીએ, આંશિક દૃષ્ટિકોણ, જે ખામીવાળું જ હશે; અને તેમ છતાં આપણે તેને સંપૂર્ણ સત્ય માનીએ છીએ. આવી અધૂરી માહિતી સાથે લેવાયેલ કોઈ પણ નિર્ણય પોતાના માટે અને બીજાઓના માટે હાનિકારક જ હશે. સત્યને પૂર્ણરુપમાં જોવા માટે, આપણે તેને એકથી વધુ દૃષ્ટિકોણોથી જોવું જરૂરી છે. વિપશ્યનાના અભ્યાસથી આપણે આ કરવાનું શિખીએ છીએ: હકીકતને ફક્ત બહાર જ નહીં બલ્કે અંદર પણ જોવું.

એક જ દૃષ્ટિકોણથી જોવાથી, આપણે ભ્રાંતિમાં રહીએ છીએ કે આપણું દુખ બીજાઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું છે, બહારની પરિસ્થિતિ દ્વારા. એટલા માટે, આપણે આપણી પૂરી શક્તિ બીજાઓને બદલવામાં લગાવી દઈએ છીએ, બહારની પરિસ્થિતિને બદલવામાં. ખરેખર તો આ પરિશ્રમ વ્યર્થ છે. જો આપણે પોતાની અંદર જોવાનું શીખી લીધું છે તો બહુ જલ્દી સમજાય છે કે આપણે પોતે આપણા દુખ કે સુખ માટે પૂર્ણરુપે જવાબદાર છીએ. દાખલા તરીકે, આપણને કોઈએ ગાળ આપી, અને આપણે દુખી થઈ ગયા. આપણે આપણા દુખ માટે એ વ્યક્તિને જેણે ગાળ દીધી હતી તેને દોષી માનીએ છીએ. હકીકતમાં ગાળ દેનાર વ્યક્તિએ તેના પોતાના માટે દુખ ઉત્પન્ન કર્યું, તેના મનમાં વિકાર જગાડીને. આપણને જ્યારે ગાળ દેવામાં આવી ત્યારે ગાળ પર પ્રતિક્રિયા કરી આપણે પોતાનું દુખ ઊભું કર્યું, જ્યારે આપણે પોતાના મનને વિકૃત કરવાનું શરૂ કર્યું. હર કોઈ વ્યક્તિ પોતાના દુખ માટે જવાબદાર છે, બીજું કોઈ નહીં. જ્યારે આપણે આ સચ્ચાઈનો અનુભવ કરીએ છીએ, બીજાઓનામાં દોષ શોધવાનું ગાંડપણ જતું રહે છે.

આપણે શેના પ્રત્યે પ્રતિક્રિયા કરીએ છીએ? આપણા દ્વારા બનાવેલી છબી પ્રત્યે, બહારની વાસ્તવિકતા પ્રત્યે નહીં. જ્યારે આપણે કોઈને જોઈએ છીએ, આપણી જૂની યાદગીરીના રંગોથી આપણા મન પર તે વ્યક્તિની છબી રંગાયેલી હોય છે. આપણા જૂના સંસ્કાર કોઈ પણ નવી ઘટના પર આપણા દૃષ્ટિકોણને પ્રભાવિત કરે છે. તે પછી, આ રંગાયેલ દૃષ્ટિકોણના કારણે શરીરની સંવેદના સુખદ અથવા દુખદ લાગે છે. અને જેવી સંવેદના હોય છે, તેવી આપણે નવી પ્રતિક્રિયા કરીએ છીએ. આવી દરેક પ્રક્રિયા જૂના સંસ્કારોથી રંગાયેલી હોય છે. પરંતુ, જો આપણે સંવેદનાઓ પ્રત્યે જાગરૂક અને સમતામાં રહીએ છીએ, તો આંધળી પ્રતિક્રિયા કરવાની ટેવ નબળી પડતી જાય છે, અને આપણે વાસ્તવિકતાને જેવી છે તેવી જાણવાનું શિખીએ છીએ.

જ્યારે આપણે જુદા જુદા આયામોથી ઘટનાઓને જોવાનું શિખીએ છીએ, તો પછી જ્યારે આપણને કોઈ ગાળ દે છે અથવા આપણી સાથે ગેરવર્તન કરે છે, તો આપણામાં એ સમજ ઉદ્ભવે છે કે આ વ્યક્તિ ગેરવર્તન કરે છે કારણ કે એ પીડાય છે, દુખી છે. આવી સમજ સાથે, આપણે નકારાત્મક પ્રતિક્રિયા નહિઁ કરી શકીએ, પણ દુખી વ્યક્તિ માટે મૈત્રી અને કરુણા જ જાગશે, જેમ એક મા બીમાર બાળક માટે લાગણી રાખે છે. આપણામાં એ વ્યક્તિને એના દુખમાંથી બહાર આવવા મદદ કરવાની ભાવના જાગે છે. આવી રીતે, આપણે સુખી અને શાંત રહીએ છીએ, અને બીજાઓને પણ સુખી અને શાંત રહેવા માટે મદદ કરીએ છીએ. ધર્મનો આ હેતુ છે: જીવવાની કળાનો અભ્યાસ કરવો, એટલે કે, મનની અશુદ્ધિઓ દૂર કરવી અને સારા ગુણો કેળવવા, પોતાના ભલા માટે અને બીજાઓના ભલા માટે.

અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે દસ સદ્ગુણોનો, પારમીનો પૂર્ણરૂપે વિકાસ કરવો પડે છે. અંતિમ લક્ષ્ય અહંકાર શૂન્ય અવસ્થા છે. આ દસ પારમી એવા સદ્ગુણો છે જે અહં ઓગાળવામાં મદદ કરે છે, તેમ કરીને આપણને મુક્તિની નજીક લઈ જાય છે. વિપશ્યના શિબિરમાં આપણને આ દસેય પારમીતાઓનો વિકાસ કરવાનો અવસર મળે છે.

સૌથી પહેલી પારમી - નિષ્ક્રમણ, ગૃહ ત્યાગ છે. જે વ્યક્તિ સાધુ અથવા સાધ્વી બને છે તે ઘરબાર છોડે છે અને વ્યક્તિગત સંપત્તિ વિના જીવે છે, એટલા સુધી કે રોજનું ભોજન પણ બીજાઓ પાસેથી પ્રાપ્ત થાય છે. આ બધું કરવાનો હેતો અહં ઓગાળવાનો છે. એક ગૃહસ્થ વ્યક્તિ આ સદ્ગુણનો વિકાસ કેવી રીતે કરી શકે? આવા શિબિરમાં, આપણને આવો અવસર મળે છે, કારણ કે અહીંયા આપણે બીજાઓના દાન પર જીવીએ છીએ. જે કોઈ ભોજન, નિવાસ, અને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે તેમનો સ્વીકાર કરી આપણે ધીમે ધીમે ગૃહ ત્યાગ, નિષ્ક્રમણની પારમીનો વિકાસ કરીએ છીએ. આપણને અહીંયા જે કાંઇ મળે છે, તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીએ છીએ, મનને નિર્મળ બનાવવા ખૂબ મહેનત કરી, ફક્ત આપણા ભલા માટે નહીં, પણ જે અજાણ્યા લોકોએ દાન આપ્યું છે તેમના ભલા માટે પણ.

બીજી પારમી શીલ છે, સદાચાર. આ પારમીને વિકસાવવા માટે આપણે પૂરો સમય પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, બંને સમયે – શિબિરમાં અને રોજિંદા જીવનમાં પણ. દુનિયાદારીના જીવનમાં ઘણા અવરોધો આવે છે જે શીલ પાલન અઘરું બનાવે છે. પરંતુ, અહીંયા ધ્યાનના કેન્દ્રમાં, શીલ સદાચાર તોડવાનો કોઈ અવસર આવતો નથી, આખા દિવસના કાર્યક્રમના અને શિસ્તના લીધે. ફક્ત બોલતા સમયે શીલનું કડાઈથી પાલન કરવામાં ભૂલ થવાની શક્યતા છે. આના કારણે શિબિરના પહેલા નવ દિવસ આપણે મૌન રહેવાનું વ્રત લીધું છે. આવી રીતે, શિબિરની અવધિ દરમ્યાન તો આપણે પૂર્ણરૂપે શીલનું પાલન કરીએ છીએ.

બીજી એક પારમી વીર્ય છે – પુરુષાર્થ. રોજના જીવનમાં આપણે મહેનત કરીએ છીએ, જેમ કે આપણું ગુજરાન ચલાવવા. પરંતુ, અહીંયા પરિશ્રમ પોતાના મનને જાગરૂક અને સમતામાં રહી શુદ્ધ કરવાનો છે. આ સાચો પુરુષાર્થ છે જે મુક્તિ તરફ લઈ જાય છે.

બીજી એક પારમી પ્રજ્ઞા છે – જ્ઞાન. બહારની દુનિયામાં આપણે ઘણા જ્ઞાની હોઈ શકીએ છીએ, પરંતુ, તે જ્ઞાન તો આપણે ચોપડીઓ વાંચી, અથવા બીજાઓને સાંભળી, અથવા બુદ્ધિથી સમજીને પ્રાપ્ત કર્યું હોય છે. જ્ઞાનની સાચી પારમી તો આપણે પોતાની અંદર જે સમજ વિકસાવીએ છીએ તે છે, ધ્યાન કરી પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન. આપણે આત્મ નિરીક્ષણ દ્વારા અનિત્ય, દુખ, અને અનાત્મની સચ્ચાઈઓનો સીધો અનુભવ કરીએ છીએ. સચ્ચાઈના આ સીધા અનુભવ દ્વારા આપણે દુખની બહાર આવીએ છીએ.

હજુ એક પારમી ખાંતિ/ક્ષાંતિ છે – સહનશીલતા. આવા શિબિરમાં, સમૂહમાં સાથે કામ કરતાં અને રહેતાં, શક્ય છે કે આપણને દેખાય કે આપણે બીજાઓના વર્તનથી અશાંત અથવા વ્યાકુળ થઈએ છીએ. પરંતુ બહુ જલ્દી આપણને એહસાસ થાય છે કે ખલેલ પહોંચાડનાર વ્યક્તિ કાં તો અજ્ઞાન છે અથવા બીમાર છે. વ્યાકુળતા દૂર થાય છે, અને આપણામાં તે વ્યક્તિ પ્રત્યે મૈત્રી અને કરુણા જાગે છે. આપણે ખાંતિની પારમી વિકસાવવાનું શરૂ કરી દીધું.

બીજી એક પારમી સત્ય છે – સચ્ચાઈ. સત્યનો અભ્યાસ કરતા સમયે આપણે વાણીના સ્તરે સાચા રહેવાનું વચન લઈએ છીએ. પરંતુ, સત્યનો અભ્યાસ વધારે ઊંડા અર્થમાં પણ કરવાનો છે. માર્ગ પર લીધેલું દરેક પગલું સચ્ચાઈની સાથે લીધેલું પગલું હોવું જોઈએ, સ્થૂળ, ભાસમાન સત્યથી લઈને સૂક્ષ્મ સત્ય, સૂક્ષ્મતર સત્ય, અંતિમ પરમાર્થ સત્ય સુધી. કલ્પનાઓ માટે ક્યાંય સ્થાન નથી. આપણે હમેશા સચ્ચાઈની સાથે રહેવું જોઈએ જે ખરેખર આપણે આ ક્ષણમાં અનુભવ કરીએ છીએ.

બીજી એક પારમી અધિષ્ઠાન છે – દૃઢ નિશ્ચય. જ્યારે આપણે વિપશ્યના શિબિર શરૂ કરીએ છીએ, આપણે નિશ્ચય કરીએ છીએ કે આખી શિબિર પૂરી કરીશું. આપણે પાંચ શીલ, આર્ય મૌનનો નિયમ, શિબિરનું શિસ્ત પાલન કરવા મન મક્કમ કરીએ છીએ. વિપશ્યનાનો અભ્યાસ શરૂ થઈ જાય છે તે પછી આપણે દરેક સામૂહિક સાધનાના પૂરા એક કલાક માટે આંખ, પગ, હાથ ખોલ્યા વિના ધ્યાન કરતા રહેવાનો દૃઢ નિશ્ચય કરીએ છીએ. આ માર્ગમાં આગળ ચાલીને, આ પારમી ખૂબ મહત્ત્વની થઈ જશે; અંતિમ લક્ષ્યની જ્યારે નજીક પહોંચીશું, આપણે વચ્ચે ઊભા થયા વિના જ્યાં સુધી મુક્તિ ના મળે ત્યાં સુધી સતત બેસવાની તૈયારી હોવી જોઈએ. આ હેતુ માટે દૃઢ નિશ્ચય વિકસાવવો બહુ જરૂરી છે.

બીજી એક પારમી મૈત્રી છે – શુદ્ધ, નિઃસ્વાર્થ, સદ્ભાવ. ભૂતકાળમાં આપણે બીજાઓ માટે પ્રેમ અને સદ્ભાવ રાખવાનો પ્રયત્ન કર્યો છે, પણ તે મનના સભાન સ્તર પર જ હતું. મનના ઊંડાણમાં, અંતરમનના સ્તર પર જૂનું ટેન્શન ચાલુ રહ્યું છે. જ્યારે સંપૂર્ણ માનસ શુદ્ધ થાય છે, તો પછી અંતરમનના ઊંડાણથી આપણે બીજાઓના સુખ માટે સદ્ભાવના કરી શકીએ છીએ. આ સાચી મૈત્રી છે, જેનાથી બીજાઓનું ભલું થાય છે અને પોતાનું પણ ભલું થાય છે.

હજુ એક પારમી ઉપેક્ષા છે – સમતા. આપણે ફક્ત સ્થૂળ, અપ્રિય, દુખદ સંવેદનાઓ અથવા મૂર્છિત ભાગો પ્રત્યે જ સમતા રાખવાનું નહીં પણ સૂક્ષ્મ, પ્રિય, સુખદ સંવેદનાઓ પ્રત્યે પણ સમતા રાખવાનું શિખીએ છીએ. દરેક પરિસ્થિતિમાં આપણે સમજીએ છીએ કે આ ક્ષણમાં જે અનુભવ થઈ રહ્યું છે તે અનિત્ય છે, જતું જ રહેવાનુ છે, સદા માટે રહેવાનું નથી. આ સમજ સાથે આપણે નિરાસક્ત, સમતામાં રહીએ છીએ.

છેલ્લી પારમી દાન છે – ઉદારતા, ચેરિટી. ગૃહસ્થ વ્યક્તિ માટે ધર્મના માર્ગ પર આ પહેલું પગલું છે. એક ગૃહસ્થ વ્યક્તિની જવાબદારી છે કે તે પોતાના અને તેના પર આશ્રિત લોકોના ભરણ-પોષણ માટે સારી આજીવિકાથી પૈસા કમાય. પરંતુ જો આપણે જે ધન ઉપાર્જન કરીએ છીએ તેનાથી ચીપકાવ પેદા કરીશું, તો પછી આપણે અહં વધારીશું. આ કારણથી, આપણે જે કમાઈએ છીએ તેનો એક ભાગ બીજાઓના ભલા માટે આપવો જોઈએ. જો આપણે આવું કરીએ છીએ, આપણો અહં નહીં વધે, કારણ કે આપણે સમજીએ છીએ કે આપણે આપણા લાભ માટે અને બીજાઓના લાભ માટે પણ કમાઈએ છીએ. બીજાઓની મદદ જે રીતે પણ થઈ શકે તેવું કરવાનો ભાવ જાગે છે. અને આપણે એ પણ સમજીએ છીએ કે બીજાઓની મદદ તેમને દુખમાંથી બહાર આવવાનું શીખવાનો રસ્તો મળે એનાથી વધારે ઊંચી મદદ કોઈ ના હોઈ શકે.

આવા શિબિરમાં, આપણી પાસે આ પારમી વિકસાવવાનો અદ્ભુત અવસર પ્રાપ્ત થાય છે. આપણને અહીંયા જે કાંઇ મળે છે તે બીજા કોઈએ દાન આપેલું છે; રહેવાના કે ખાવાના કોઈ ચાર્જ નથી, અને વિદ્યા શીખવાડવાના તો ચોક્કસ નથી. હવે જ્યારે આપણો વારો આવ્યો, આપણે બીજા કોઈના ભલા માટે દાન આપવાનું વિચારી શકીએ છીએ. કેટલી રકમ આપીએ છીએ તે દરેકના સામર્થ્ય અનુસાર જુદી હશે. સ્વભાવવશ, કોઈ ધની વ્યક્તિ વધારે આપવા ઇચ્છા કરશે, પણ સારા ભાવથી આપેલું નાનામાં નાનું દાન, આ પારમી વધારવા માટે બહુ કીમતી છે. બદલામાં કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના, આપણે આપીએ છીએ જેથી બીજાઓ પણ ધર્મના લાભનો અનુભવ કરી શકે અને તેમના દુખમાંથી બહાર આવી શકે.

અહીંયા આપણી પાસે દસે પારમી વિકસાવવાનો અવસર પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે આ બધા સદ્ગુણોનો સંપૂર્ણરૂપે વિકાસ કરી લઈએ છીએ, આપણે અંતિમ લક્ષ્ય પર પહોંચી જઈએ છીએ.

આપણે પ્રેક્ટિસ કરતા રહીએ જેથી તેમનો થોડો થોડો વિકાસ થતો જાય. ધર્મ પથ પર પ્રગતિ કરતા રહીએ, ફક્ત પોતાના લાભ અને મુક્તિ માટે નહીં, પરંતુ અનેકોના લાભ અને મુક્તિ માટે પણ.

સંસારના સૌ દુખી પ્રાણીઓને શુદ્ધ ધર્મ મળે અને તેમની મુક્તિ થાય.

સૌ સુખી થાઓ! સૌનું મંગળ થાઓ!