આચાર્યો ની શૃંખલા

પૂજનીય લેડી સયાડો

1846-1923

પૂજનીય લેડી સયાડોનો જન્મ 1846માં ઉત્તરી બર્માના શ્વેબો Shwebo જિલ્લા (અત્યારે મોણ્યવા Monywa જિલ્લો) ના દીપેયીન Dipeyin શહેરના સાઇંગ-પીન Saing-pyin નામના ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ માઉંગ Maung ટેટ Tet ખૌંગ Khaung હતું. (માઉંગ બર્મી છોકરાઓ અને યુવાનો માટે માસ્ટર ના બરાબર ખિતાબ છે. ટેટ નો અર્થ છે ઊંચાઈઓ પર જવું અને ખૌંગ નો અર્થ છે છાપરું અથવા શિખર.) તે નામ યોગ્ય પુરવાર થયું, કારણકે ખરેખર માઉંગ ટેટ ખૌંગ તેના બધા પ્રયત્નોમાં શિખર પર ચઢ્યા.

તેમના ગામમાં તેઓ પરંપરાગત વિહાર સ્કૂલમાં ભણ્યા હતા જ્યાં ભિક્ષુઓ બાળકોને બર્મી ભાષા વાંચતા અને લખતાંની સાથે સાથે પાલી ગ્રંથોનો પાઠ કરતાં શીખવાડતા. આવી સર્વવ્યાપક વિહાર સ્કૂલોને લીધે, બર્માએ પરંપરાગત રીતે બહુ ઊંચો શૈક્ષણિક દર જાળવ્યો છે.

આઠ વર્ષની ઉમ્મરે, તેમણે તેમના પહેલા આચાર્ય, યુ નાંદ-ધજા સયાડો (U Nanda-dhaja Sayadaw), પાસે ભણવાનું ચાલુ કર્યું , અને પંદર વર્ષની ઉમ્મરે શ્રામણેર (શિખાઉ) તરીકે એજ સયાડો પાસે દીક્ષા લીધી. તેમને નાન-ધજા (જ્ઞાનની ધજા) નું નામ આપવામાં આવ્યું. તેમના ભિક્ષુ શિક્ષણમાં પાલી વ્યાકરણ અને પાલી ગ્રંથમાંથી અનેક પાઠ જેમાં અભિધમ્મ્ટ્ઠ-સંગ્રહ, એક વિવરણ જે ગ્રંથના અભિધમ્મ ભાગ માટે માર્ગદર્શન નું કામ કરે છે, તેમાં નિપુણતા સાથે, નો સમાવેશ હતો.

પછીના જીવનમાં તેમણે અભિધમ્મટ્ઠ સંગ્રહ પર પરમાર્થ-દીપાની (પરમાર્થ સત્યનો ગ્રંથ) નામનું વિવાદાસ્પદ વિવરણ લખ્યું જેમાં તેમણે પહેલાંના ગ્રંથમાં શોધેલી અમુક ભૂલોને સુધારી, અને તે સમયે, તેમના કામ પર કરેલી ટિપ્પણીઓ સ્વીકારી. તેમના સુધારાઓને આખિરકાર ભિક્ષુઓ દ્વારા સ્વીકારવામાં આવ્યા અને તેમનું કામ પ્રમાણભૂત સંદર્ભ બની ગયું.

શ્રામણેર તરીકેના દિવસોમાં, ઓગણીસમી સદીના મધ્ય ભાગમાં, આધુનિક વીજળી પ્રકાશના ઉપલબ્ધતા પહેલાં, તેઓ નિયમિતતા થી લખાયેલા ગ્રંથોનો દિવસમાં અભ્યાસ કરતા અને અંધારા પછી ભિક્ષુઓ અને બીજા શ્રામણેરો ની સાથે યાદશક્તિથી પાઠ કરવામાં જોડાતા. આવી રીતે કામ કરતાં તેઓ અભિધમ્મ ગ્રંથમાં નિપુણ થયા.

જ્યારે તેઓ 18 વર્ષના હતા, શ્રામણેર નાન-ધજાએ થોડા સમય માટે ભગવા કપડાં છોડી દીધા અને ગૃહસ્થ જીવનમાં પાછા ફર્યા હતા. તેઓ તેમના શિક્ષણથી અસંતુષ્ટ થયા હતા, એવા ભાવ સાથે કે તેમનું શિક્ષણ બહુ સંકીર્ણતાથી તીપિટક. પૂરતું મર્યાદિત હતું. 3 લગભગ છ મહિના પછી તેમના પહેલા આચાર્ય અને બીજા એક પ્રભાવી આચાર્ય, મ્યિંહતિન સયાડો (Myinhtin Sayadaw) એ તેમને બોલાવ્યા અને એમને સમજાવવા પ્રયત્ન કર્યો કે તેઓ ભિક્ષુ જીવનમાં પાછા ફરે; પણ તેઓએ ના પાડી.

મ્યિંહતિન સયાડો (Myinhtin Sayadaw)એ એવો સુઝાવ રાખ્યો કે તેઓ ઓછામાં ઓછું પોતાનું ભણતર ના છોડે. યુવા મૌંગ ટેટ ખૌંગ (Maung Tet Khaung) ખૂબ તેજસ્વી હતા અને શીખવા માટે ઉત્સુક, તેથી આ સુઝાવ તેમણે તત્પરતાથી માની લીધો.

"શું તમને પ્રાચીન હિન્દુઓના ધાર્મિક ગ્રંથો વેદ, શીખવામાં રસ છે?" મ્યિંહતિન સયાડો (Myinhtin Sayadaw)એ પુછ્યું.

"હા, માન્યવર," માઉંગ ટેટ ખૌંગે જવાબ આપ્યો.

"તો પછી તમારે શ્રામણેર બનવું પડશે," સયાડોએ કહ્યું, "નહીંતો, યેઉ (Yeu) ગામના સયાડો ઉ ગંધમા (Sayadaw U Gandhama) તમને તેમના વિદ્યાર્થી તરીકે નહીં સ્વીકારે."

"હું શ્રામણેર બનીશ," તેઓ સહમત થયા.

આવી રીતે તેઓ શીખાઉ (ભિક્ષુ) જીવનમાં પાછા ફર્યા, અને ભિક્ષુના ભગવા કપડાં ફરી ક્યારેય ના છોડયા. પછીથી તેમના એક શિષ્યને તેમણે જણાવ્યું,

"પહેલાં, મને આશા હતી કે હું વેદો ના જ્ઞાનથી લોકોનું ભવિષ્ય બતાવી તેનાથી કમાણી કરીશ. પણ હું તેનાથી વધારે ભાગ્યશાળી હતો કારણ કે હું ફરી શ્રામણેર બન્યો. મારા શિક્ષકો ઘણા બુદ્ધિશાળી હતા; અને તેમની અનહદ મૈત્રી અને કરુણા થી તેઓએ મને બચાવી લીધો."

સયાડો ગંધમાની દેખરેખમાં તેજસ્વી શ્રામણેર નાન-ધજા આઠ મહિનામાં જ વેદોમાં પારંગત થઈ ગયા અને તેમનો તીપિટક નો અભ્યાસ ચાલુ રાખ્યો. 20 વર્ષની ઉમ્મરે, તેમના પહેલાંના આચાર્ય સયાડો નાન-ધજા પાસે, જે તેમના ઉપદેશક બન્યા (જે તેમને શીલ પાલનનો આદેશ આપે છે), 20મી એપ્રિલ 1866ના રોજ તેમણે ભિક્ષુ બનવા માટેની ઉચ્ચ પ્રવજયા લીધી.

1867માં વર્ષાવાસના પહેલાં જ, ભિક્ષુ નાન ધજાએ માંડલેમાં અભ્યાસ ચાલુ રાખવા એમના ઉપદેશક અને મોણ્યવા Monywa જિલ્લો જ્યાં તેઓ ઉછેર્યા હતા, તેઓને છોડયા.

તે સમયે, રાજા મીન ડોન મીન Min Don Min જેમણે 1853 થી 1878 સુધી રાજ કર્યું, તેમના શાસન દરમ્યાન, માંડલે બર્માની શાહી રાજધાની હતી અને દેશમાં સૌથી મહત્વપૂર્ણ શિક્ષણ માટેનું કેન્દ્ર હતું. તેમણે ઘણા આગળ પડતા સયાડો અને વિદ્વાન ગૃહસ્થ આચાર્યોના હાથ નીચે અભ્યાસ કર્યો. મુખ્ય રૂપે તેઓ મહા-જ્યોતિકર્મા વિહારમાં રહ્યા અને પૂજનીય સયાડો સાન-ક્યૌંગ Sayadaw San-Kyaung જે વિશુદ્ધિમગ્ગ – વિશુદ્ધિનો માર્ગ નું બર્મીમાં અનુવાદ કરવા માટે બર્મામાં પ્રખ્યાત છે તમની પાસે ભણ્યા.

આ સમય દરમ્યાન, પૂજનીય સયાડો સાન-ક્યૌંગે (Sayadaw San-Kyaung) 2000 વિદ્યાર્થીઓની 20 પ્રશ્નો થકી પરીક્ષા લીધી. ભિક્ષુ નાન-ધજા ફક્ત એક એવા વિદ્યાર્થી હતા જેઓ બધા પ્રશ્નોના જવાબ સંતોષજનક આપી શક્યા. આ જવાબોને પછીથી 1880માં પારમી-દીપાની (Manual of Perfections), શીર્ષકના નામે પુસ્તિકા તરીકે પ્રકાશિત કરવામાં આવી, પૂજનીય લેડી સયાડો દ્વારા પાલી અને બર્મીમાં લખાયેલ અનેક ચોપડીઓમાંથી પહેલી પુસ્તિકા.

માંડલેમાં તેમના અભ્યાસ દરમ્યાન રાજા મીન ડોન મીને તીપિટકનો પાઠ કરવા અને શુદ્ધ કરવા દૂર દૂર સુધીના ભિક્ષુઓને બોલાવી પાંચમી બૌદ્ધ પરિષદ આયોજિત કરાવી. આ પરિષદ 1871માં માંડલેમાં યોજવામાં આવી હતી અને પ્રમાણિત લખાણોને 729 સંગેમરમરના પથ્થરો પર કોતરાવ્યા જે આજે પણ જોવા મળે છે, એક એક પત્થરને માંડલે પહાડની નીચે સોનેરી કૂથોડા Kuthodaw પેગોડાની ચારેબાજુ નાના-નાના પેગોડામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ પરિષદમાં ભિક્ષુ નાન ધજાએ અભિધમ્મ ગ્રંથોને વ્યવસ્થિત કરવામાં અને અનુવાદ કરવામાં મદદ કરી.

ભિક્ષુ તરીકે આઠ વર્ષ વિતાવી, બધી પરીક્ષાઓમાં સફળ થઈને, પૂજનીય નાન ધજા મહા-જ્યોતિકર્મા વિહાર પર જ્યાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યાં પ્રારંભિક પાલીના શિક્ષક તરીકે ઉત્તીર્ણ થયા.

બીજા આઠ વર્ષ તેઓ ત્યાં રહ્યા, ભણાવતા અને તેમના પોતાના શૈક્ષણિક પ્રયત્નોને ચાલુ રાખતાં, 1882 સુધી જ્યારે તેઓ મોણ્યવા Monywa ગયા. ત્યારે તેઓ 36 વર્ષના હતા. તે સમયે મોણ્યવા Monywa ચીંદવિન નદીના પૂર્વ કિનારા પર એક નાનું જિલ્લા કેન્દ્ર હતું જે એવા સ્થળ તરીકે પ્રખ્યાત હતું જ્યાં શિક્ષણ પદ્ધતિમાં ફક્ત પસંદ કરેલા ભાગો કરતાં પૂરા તીપિટકનો સમાવેશ હતો.

મોણ્યવા Monywa માં ભિક્ષુઓને અને શ્રામણેરોને પાલી શીખવાડવા, દિવસ દરમ્યાન તેઓ શહેરમાં આવતા, પણ સાંજના સમયે તેઓ ચીંદવિન નદીના પશ્ચિમ કિનારા પર જતા રહેતા અને લક-પાન-તૌંગ (Lak-pan-taung) પર્વત ની બાજુમાં એક નાના વિહારમાં રાત્રીઓ ધ્યાનમાં વિતાવતા. જો કે અમારી પાસે ચોક્કસ માહિતી નથી, પણ એવું શક્ય લાગે છે કે આ એ સમય હતો જ્યારે તેમણે પરંપરાગત બર્મી પદ્ધતિથી વિપશ્યનાનો અભ્યાસ શરૂ કર્યો: આનાપાન (શ્વાસ) અને વેદના (સંવેદના) પર ધ્યાન આપી.

બ્રિટિશ લોકોએ ઉપલું બર્મા 1885માં જીતી લીધું અને છેલ્લા રાજા થિબાવ (Thibaw) જેમણે 1878 થી 1885 સુધી રાજ કર્યું તેમનો દેશનિકાલ કર્યો. પછીના વર્ષ, 1886માં પૂજનીય નાન-ધજા મોણ્યવા (Monywa) ની પાસે જ ઉત્તરમાં લેડી જંગલમાં એકાંતવાસમાં જતા રહ્યા. થોડા સમય પછી, ઘણા ભિક્ષુઓ ત્યાં તેમની પાસે આવવા લાગ્યા, એ વિનંતી સાથે કે તેઓ (નાન-ધજા) તેમને ભણાવે. આ ભિક્ષુઓના રહેવા માટે એક વિહાર બનાવવામાં આવ્યો અને લેડી-તાવ્યા વિહાર નામ આપવામાં આવ્યું. આ વિહાર પરથી નાન-ધજાએ નામ લીધું જેનાથી તેઓ સૌથી વધારે જણાય છે: લેડી સયાડો. એવું કહેવાય છે કે મોણ્યવા (Monywa) એક મોટું શહેરબન્યું, જે તે આજે છે, એનું એક મુખ્ય કારણ એ હતું કે ઘણા બધા લોકો લેડી સયાડોના વિહાર પ્રત્યે આકર્ષાયા હતા. જ્યાં તેઓ લેડી-તાવ્યા પર ઘણા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને ભણાવતા રહ્યા, તેમણે પોતાના ધ્યાન માટે નદીના પેલી પાર તેમની નાની ઝૂંપડી વિહાર માં એકાંતમાં જવાની પ્રથા ચાલુ રાખી.

જ્યારે તેઓ લેડી જંગલના વિહારમાં દસ વર્ષથી વધારે રહી ચૂક્યા હતા, તેમના મુખ્ય શૈક્ષણિક લખાણો પ્રકાશિત થવા લાગ્યા. 1897માં પ્રકાશિત, ઉપર જણાવેલ પરમાર્થ-દીપાની (પરમાર્થ સત્યનો ગ્રંથ) સૌથી પહેલો ગ્રંથ હતો. આ સમયગાળાની નિરુત્ત-દીપાની, પાલી વ્યાકરણ પર ચોપડી, તેમની બીજી ચોપડી હતી. આ ચોપડીઓના કારણે તેમણે બર્માના સૌથી વધુ વિદ્વાન ભિક્ષુઓ માંના એક તરીકે પ્રતિષ્ઠા મેળવી.

જો કે લેડી સયાડો લેડી-તાવ્યા વિહાર પર રહેતા હતા, ક્યારેક તેઓ ધ્યાન અને ગ્રંથો બંનેનું શિક્ષણ આપતાં-આપતાં આખા બર્મામાં પ્રવાસ કરતા હતા. ખરેખર તેઓ એક અસાધારણ ભિક્ષુનું ઉદાહરણ હતા જેઓ પરિયત્તિ (ધર્મનો સૈદ્ધાંતિક પક્ષ) તેમજ પટીપત્તિ (ધર્મનો વ્યાવહારિક પક્ષ)માં નિપુણ થઈ શક્યા. એમના પ્રકાશિત થયેલા ગ્રંથોમાંથી ઘણા, એમના આ આખા બર્માના પ્રવાસો દરમ્યાન લખાયા હતા. ઉદાહરણ રૂપે, તેમણે પ્રતિત્ય-સમુપ્પાદ-દીપાની માંડલે થી પ્રોમ નાવડીમાં પ્રવાસ કરતાં બે દિવસમાં લખી હતી. તેમની પાસે કોઈ સંદર્ભિત ચોપડીઓ નહોતી, પણ તીપિટકનું સંપૂર્ણ જ્ઞાન હતું, જેથી તેમને સંદર્ભિત ચોપડીઓની જરૂર પણ નહોતી. બૌદ્ધવાદ ગ્રંથમાં 76 ચોપડીઓ, ટિપ્પણીઓ, નિબંધો, વિગેરે તેમના લખાણોમાં સૂચિબદ્ધ છે, છતાંય આ પણ તેમના કામોની અપૂર્ણ યાદી છે.

ત્યાર બાદ, તેમણે બર્મીમાં પણ ધર્મ પર ઘણી ચોપડીઓ લખી. તેઓએ કહ્યું તેઓ એવી રીતે લખવા ઇચ્છે છે કે એક સામાન્ય ખેડૂત પણ તેને સમજી શકે. તેમના સમય પહેલાં, ધર્મના વિષયો પર લખવું જેથી ગૃહસ્થ લોકો પણ એ મેળવી શકે એ અસામાન્ય વાત હતી. મૌખિક રીતે ભણાવવામાં પણ, ભિક્ષુઓ સામાન્ય રીતે પાલીમાં લાંબા પાઠ બોલી અને પછી તેનું શાબ્દિક અનુવાદ કરતા, જે સાધારણ લોકો માટે સમજવું ઘણું અઘરું હતું. એ તો લેડી સયાડોની વ્યાવહારિક સમજ અને પરિણામસ્વરૂપે મૈત્રી (પ્રેમાળ દયા) ની શક્તિ હશે જે સમાજના બધા વર્ગોમાં ધર્મને ફેલાવાની તેમની ઉત્કંઠાને લીધે ઉભરાઇ આવ્યા. અભિધમ્મ-સંગ્રહ નું અનુવાદ કરતી તેમની 2000 બર્મી ગાથાઓની ચોપડી પરમાર્થ-સંકલ્પ યુવા લોકો માટે લખાઈ હતી અને આજે પણ ઘણી લોકપ્રિય છે. તેમના અનુયાયીઓએ ઘણા સંગઠનો ચાલુ કર્યા જે આ ચોપડીનો ઉપયોગ કરી અભિધમ્મને શીખવા પ્રોત્સાહન આપે છે.

તેમના બર્માના પ્રવાસોમાં, લેડી સયાડોએ ગાયનું માંસ ખાવાને નિરુત્સાહ કર્યું. તેમણે ગો-મમસા-મતિકા નામની ચોપડી લખી જે લોકોને ગાયની હત્યા ના કરવા વિનંતી કરે છે કે અને શાકાહારી ભોજનને પ્રોત્સાહન આપે છે.

આ સમય દરમ્યાન, શતાબ્દીના બદલાતાંજ, પૂજનીય લેડી સયાડોને ઉ પો થેટ (U Po Thet) મળ્યા અને તેમની પાસે વિપશ્યના શીખ્યા. ત્યાર બાદ તેઓ બર્મામાં ગૃહસ્થ આચાર્યોમાંના એક સૌથી વધુ પ્રતિષ્ઠિત ધ્યાનના આચાર્ય તરીકે જણાયા, સયાજી ઉ બા ખિનના આચાર્ય, સયાજી ઉ બા ખિન - ગોએંકાજીના આચાર્ય.

1911 સુધી, તેમની પ્રતિષ્ઠા એક વિદ્વાન તરીકે અને ધ્યાનના આચાર્ય તરીકે એટલી હદે વધી ગઈ કે ભારતની બ્રિટિશ સરકારે, જે બર્મા પર પણ રાજ્ય કરતું હતું, તેમણે તેમને અગ્રમહા-પંડિત (Aggamaha-pandita) (અગ્રણી મહાન વિદ્વાન)ની પદવીથી નવાજ્યા. રંગૂન યુનિવર્સિટીએ તેમને સાહિત્યમાં ડોક્ટરેટની પદવીથી પુરુસ્કૃત કર્યા. 1913 થી 1917 ના વર્ષોમાં તેઓએ લંડનની પાલી ટેક્ષ્ટ સોસાઇટી (Pali Text Society)ના શ્રીમતી ર્હ્યસ-ડેવિડ્સ (Rhys-Davids) સાથે પત્ર વ્યવહાર કર્યો હતો, અને અભિધમ્મ (Abhidhamma)ના ઘણા મુદ્દાઓ પર તેમની ચર્ચાઓના અનેક અનુવાદો પાલી ટેક્ષ્ટ સોસાઇટીના સામયિક (Journal of the Pali Text Society)માં પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

ઘણા વર્ષો ઝાંખા અજવાળામાં વાંચન, લેખન અને અભ્યાસ કરવાના કારણે તેમના જીવનના છેલ્લા વર્ષોમાં પૂજનીય લેડી સયાડોની ચક્ષુ દૃષ્ટિ ખોરવાવવા લાગી હતી. 73 વર્ષની ઉમ્મરે, તેઓ આંધળા થઈ ગયા અને તેમના જીવનના બાકી વર્ષો ફક્ત ધ્યાન કરવાને અને ધ્યાન શીખવાડવાને સમર્પિત કર્યા. આખા બર્મામાં તેમના પ્રવાસો અને શિક્ષાના પરિણામ સ્વરૂપે તેમના નામ પર સ્થપાયેલ અનેક વિહારોમાંથી, માંડલે અને રંગૂનની વચ્ચેના પ્યિનમાના (Pyinmana)ના એક વિહારમાં,1923માં, 77 વર્ષની ઉમ્મરે, તેઓ મૃત્યુ પામ્યા.

પૂજનીય લેડી સયાડો કદાચ તેમની ઉમ્મરના સૌથી વધુ ઉત્કૃષ્ઠ બૌદ્ધ વ્યક્તિ હતા. જે બધા લોકો હાલના વર્ષોમાં ધર્મ માર્ગના સંપર્કમાં આવ્યા છે, તેઓ પર, આ વિદ્વાન સંત ભિક્ષુ જેઓ વિપશ્યનાના પરંપરાગત અભ્યાસને બધા ગૃહત્યાગી અને ગૃહસ્થો માટે સમાનરૂપે વધુ ઉપલબ્ધ કરાવી તેનું પુનરુત્થાન કરવામાં કાર્યસાધક હતા, તેમના પ્રત્યે કૃતજ્ઞતાનું મોટું ઋણ છે. તેમની શિક્ષાના આ સૌથી મહત્ત્વપૂર્ણ પાસાંથી વધારામાં, તેમનું ચોક્કસ, ચોખ્ખું અને વિસ્તૃત શૈક્ષણિક કામ ધર્મના પ્રાયોગિક (વ્યાવહારિક) પક્ષને સ્પષ્ટ કરવા ઉપયોગી નીવડયું.

1શીર્ષક સયાડો, જેનો અર્થ પૂજનીય આચાર્ય છે, શરૂઆતમાં મહત્ત્વપૂર્ણ વડીલ ભિક્ષુઓ(થેર) જેઓ રાજાને ધર્મનું જ્ઞાન આપતા હતા, તેઓને આપવામાં આવતું હતું. પછીથી, તે વ્યાપક રીતે ખૂબ સમ્માનનીય ભિક્ષુઓ માટે શીર્ષક થઈ ગયું.

2અભિધમ્મ એ પાલી ગ્રંથનો ત્રીજો વિભાગ છે જેમાં બુદ્ધે મન અને શરીરની સચ્ચાઈનું ગહન, વિગતવાર અને ટેક્નિકલવર્ણન આપ્યું છે.

3તીપિટક પૂરા બૌદ્ધ ગ્રંથનું પાલી નામ છે. એનો અર્થ છે ત્રણ ટોકરીઓ, એટલે કે, વિનય પિટક (ભિક્ષુઓ માટે નિયમો); સુત્ત પિટક (ઉપદેશો); અને અભિધમ્મ પિટક (ઉપર, નોંધ 2 જુઓ).