ઉદારતાની ગુણવત્તા

શુદ્ધ ધર્મની પરંપરા અનુસાર, વિપશ્યના સાધનામાં શિબિરો અને કેન્દ્રો માટે ફંડ પ્રાપ્ત કરવાનું એકમાત્ર સાધન દાન જ છે. શિબિરમાં ભાગ લેવા માટે કોઈ શુલ્ક અથવા ફી નથી હોતી, અને ના તો સહાયક આચાર્યો કે ટ્રસ્ટીઓને જે કેન્દ્ર ચલાવે છે તેમની સેવા માટે કોઈ પગાર આપવામાં આવે છે. આમ, ધર્મનો પ્રસાર પ્રયોજનની શુદ્ધતાથી કરવામાં આવે છે, કોઈ પણ વેપારવૃત્તિ વિના.

પાલી શબ્દ ‘દાન’નું અનુવાદ દાન અથવા ઉદારતા તરીકે કરી શકાય છે. દાન દસ પારમિતાઓ અથવા સદ્ગુણોમાં થી એક છે. દાન આપવું આપણામાં ઉદારતા અને નિઃસ્વાર્થતાના ગુણો વિકસાવે છે.

દાન - આપવાનો ગુણ છે; એક ખાસ રીતે આપવાનો. જેમ ગોએંકાજી કહે છે, ‘મનનો ભાવ સૌનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, એવો હોવો જોઈએ.’ જે લોકોએ વિપશ્યના સાધનાનો લાભ ચાખ્યો છે તેઓ બીજાઓને સાચા અર્થમાં: રાગ,દ્વેષ, અને અજ્ઞાનતામાં થી બહાર આવવા મદદ કરવા, એવા ભાવથી દાન આપી શકે છે.

ગોએંકાજી ધર્મ દાન વિશે પણ બોલ્યા:

જેમ જેમ આપણે માર્ગ પર પ્રગતિ કરીએ છીએ, આપણી પારમિતાઓનો વિકાસ થતો જાય છે – સદ્ગુણો જે આપણને જન્મ–મરણના ભવ સાગરને પાર કરવામાં મદદ કરે છે. જ્યારે આ પારમિતાઓ પરિપૂર્ણ થાય છે, ત્યારે અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું સહેલું થઈ જાય છે.

દાન એક અત્યંત મહત્વપૂર્ણ પારમી છે. અને, બુદ્ધના શબ્દોમાં, દાન સૌથી ઉચ્ચ છે.

એ સૌથી ઉચ્ચ કેમ છે? આપણે સમજીએ. પ્રકૃતિના નિયમ અનુસાર, આપણે જે બીજ વાવીએ છીએ તે ફળ આપશે, ઘણા ફળ, અને દરેક ફળમાં તેવું જ બીજ હશે. જો આપણે ભોજનનું દાન આપીએ છીએ, તો ફળના રૂપમાં આપણને આ જીવનમાં અને આગળના જીવનોમાં પર્યાપ્ત ભોજન પ્રાપ્ત થશે.

પ્રકૃતિના એ જ નિયમ અનુસાર, જે પ્રકારનું દાન આપણે આપીએ છીએ, એ પ્રકારનું ફળ આપણને ભવિષ્યમાં અનેક ઘણું વધારે માત્રામાં મળે છે. જ્યારે આપણે ધર્મનું દાન આપીએ છીએ, આપણને અનેક ઘણું વધારે માત્રામાં ધર્મ પ્રાપ્ત થશે.

અને પરિણામ સ્વરૂપ, આપણે ધર્મમાં વધુ અને વધુ સક્ષમ થતા જઈએ છીએ જે આપણને અંતિમ લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરે છે. એટલા માટે જ બુદ્ધે કહ્યું,"સબ્બ દાનં ધમ્મ દાનં જિનાતી, સૌ દાનમાં ધર્મનું દાન શ્રેષ્ઠ છે."


કેન્દ્રો અથવા શિબિરોમાં દાન આપવા

ધર્મનું કેન્દ્ર ફક્ત વર્તમાન સાધકોના લાભ માટે સ્થાપિત નથી હોતું. યોગ્ય રીતે સંચાલિત થવાથી એ ભાવી પેઢીઓને પણ સેવા આપવાનું ચાલુ રાખશે, કદાચ સદીઓ માટે.

વિપશ્યનાના સાધકો કોઈ પણ કેન્દ્રની વેબસાઇટ પર જઈને વધુ માહિતી મેળવી દાન આપી શકે છે.


અંતરરાષ્ટ્રીય યોજનાઓ

વિશ્વભરમાં ઘણી વિપશ્યના ની સંસ્થાઓ છે જે કેન્દ્રો અને સાધકોને લાભ પહોંચાડે છે.

અંતરરાષ્ટ્રીય વિપશ્યના ટેક્નોલોજી સંગઠન - સંગઠન પ્રારંભિક માહિતી, શિબિરોની સૂચિ, dhamma.org વેબસાઇટ અને મોબાઈલ એપ્પ મારફત ઓનલાઈન શિબિરોની અરજી, અને અન્ય વિશ્વભરના કેન્દ્રો માટે ટેક્નિકલ ટેકો આપે છે.

વિપશ્યના વિશોધન વિન્યાસ - ધર્મ સંબંધિત લેખો અને ચોપડીઓ, શિક્ષા, અન્ય ઓનલાઈન સામગ્રીનો ભંડાર છે, તથા ભારત અને એશિયા માટે આઈ.ટી. ટેકો આપે છે.

વિપશ્યના સમુદાય પ્રતિષ્ઠાન - વિપશ્યના સમુદાય પ્રતિષ્ઠાન બિનનફાકારક સંસ્થા છે જે વિશ્વભરમાં નવા અને ચાલુ કેન્દ્રોને ધર્મ દાન આપવા તથા ક્ષમતા નિર્માણ રોકાણ કરવા દાન સ્વીકારે છે. અમેરિકામાં આ દાન પર કર રાહત મળે છે.


તમારા વસિયતનામામાં દાન: ધર્માદામાં આપેલ વારસો

દાન આપવાનો બીજો માર્ગ તમારા વસિયતનામામાં ધર્મને વારસો આપવાનો છે. સામાન્ય રીતે આ તમારા ક્ષેત્રમાં આવેલા એક અથવા વધારે વિપશ્યના કેન્દ્રો માટે રહેશે. વિવિધ રાજ્યો અને દેશોમાં વારસા માટે ચોક્કસ કાનૂની બંધારણ જુદા જુદા હોય છે. તમારા વસિયતનામામાં વારસો આપવા શ્રેષ્ઠ ભાષા નો ઉપયોગ કરવા યોગ્ય શબ્દાવલી, જેમાં સંબંધિત કેન્દ્રના કાયદેસર નામ અને સંપર્ક માહિતીનો સમાવેશ થાય છે, તે શોધવા, કૃપા કરીને સંબંધિત સંસ્થાના ખજાનચી અથવા સચિવનો સંપર્ક કરો.