વિપશ્યના
સયાજી ઉ બા ખિનની પરંપરામાં
સાધના
આચાર્ય ગોયન્કાજી દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના સાધના
આચાર્યોની શૃંખલા
સયાજી ઉ બા ખિન
1899 - 1971
નીચેનો લેખ વિપશ્યના વિશોધન વિન્યાસ દ્વારા પ્રકાશિત સયાજી ઉ બા ખિન જર્નલમાં થી અવતર્યો છે
સયાજી ઉ બા ખિન નો જન્મ બર્માની રાજધાની રંગૂનમાં 06 માર્ચ, 1899 ના રોજ થયો હતો. તેઓ કામદાર વર્ગના જિલ્લામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારમાં બે ભાઈમાંના નાના બાળક હતા. સ્કૂલમાં, અંગ્રેજી વ્યાકરણની ચોપડીને પહેલા પાના થી છેલ્લા પાના સુધી કંઠસ્થ કરતાં, પાઠોને યાદદાસ્તમાં ઉતારી દેવાની નોંધપાત્ર ક્ષમતા સાથે, તેઓ પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી સાબિત થયા. 1917માં તેમણે, સ્વર્ણ પદક ની સાથે સાથે કોલેજની સ્કોલર્શીપ જીતી, હાઇ-સ્કૂલની છેલ્લી પરીક્ષા પાસ કરી. પણ, પૈસા કમાવાની શરૂઆત કરવા, કૌટુંબિક દબાણોએ તેમને આગળનું ભણતર છોડવા મજબૂર કર્યા. તેમની પહેલી નોકરી ધ સન નામના બર્મી છાપા માં હતી, પણ થોડા સમય પછી, તેઓ, બર્માના એકાઊંટેન્ટ જનરલ કાર્યાલયમાં એકાઉંટ્સ ક્લાર્ક તરીકે કામ કરવા લાગ્યા. 1937 માં, જ્યારે બર્માને ભારત થી છૂટું પાડ્યું, તેમને પહેલા ખાસ કાર્યાલય અધિક્ષક નિમવા માં આવ્યા.
જાન્યુઆરી 1, 1937 ના દિવસે, સયાજી એ પહેલી વાર ધ્યાનનો પ્રયત્ન કર્યો. એક શ્રીમંત ખેડૂત અને ધ્યાનના આચાર્ય, સયા થેટ જી, ના એક વિદ્યાર્થી ઉ બા ખિન ને મળવા ગયા હતા અને તેમણે સયાજીને આનાપાન વિષે સમજાવ્યું. જ્યારે સયાજીએ પ્રયત્ન કર્યો, તેમને સારી એકાગ્રતાનો અનુભવ થયો, અને તેઓ એટલા પ્રભાવિત થયા કે તેમણે એક આખું શિબિર પૂરું કરવાનો નિર્ણય લીધો. એક અઠવાડીયા પછી, તેમણે દસ દિવસની રજા માટે અરજી કરી અને સયા થેટ જી ના કેન્દ્ર માટે નીકળી પડ્યા. એજ રાત્રે, ઉ બા ખિન અને અન્ય એક બર્મી વિદ્યાર્થીએ જે લેડી સયાડો ના અનુયાયી હતા, સયા થેટ જી પાસે આનાપાનની સૂચનાઓ મેળવી. આ બે વિદ્યાર્થીઓએ ઝડપથી પ્રગતિ કરી, અને બીજાજ દિવસે તેઓને વિપશ્યના અપાઈ. સયાજીએ આ પહેલી 10 દિવસની શિબિરમાં સારી પ્રગતિ કરી, અને તેમના આચાર્યના કેન્દ્રની અવારનવારની મુલાકાતોમાં અને જ્યારે જ્યારે સયા થેટ જી રંગૂન આવતા તેમની સાથે મળીને તેમનું કામ ચાલુ રાખ્યું.
સયાજીની સરકારી નોકરી બીજા છવ્વીસ વર્ષ ચાલુ રહી. જાન્યુઆરી 4, 1948 ના દિવસે જ્યારે બર્માને આઝાદી મળી, તેઓ મહાલેખાપાલ (એકાઉન્ટન્ટ જનરલ) બન્યા. પછીના બે દાયકાઓ સુધી, તેઓ સરકારમાં અનેક પદો પર કાર્યરત રહ્યા, વધારે સમય તો બે અથવા બે થી વધુ પદવીઓ સંભાળતા, દરેક પદવી વિભાગના વડાની બરાબરી કરતી. એક સમયે તેઓ ત્રણ જુદા જુદા વિભાગના વડા તરીકે એકી સાથે ત્રણ વર્ષ માટે કાર્યરત રહ્યા, અને બીજા એક પ્રસંગ પર, એક વર્ષ માટે ચાર-ચાર વિભાગના વડા રહ્યા. જ્યારે તેમને 1956માં રાજકીય ખેતીવાડી માર્કેટિંગ બોર્ડ ના ચેરમેન નિયુક્ત કર્યા, બર્મી સરકારે તેમને થેર સિથુ (Thray Sithu), ઊંચી માનદ પદવી થી નવાજયા. સયાજીના જીવનના ફક્ત છેલ્લા ચાર વર્ષ જ પૂર્ણરુપે એકલું ધ્યાન શીખવવા માટે અપાયા. બાકીના સમયે તેમણે તેમની ધ્યાનની કુશળતા ને સરકારી નોકરીની નિષ્ઠા સાથે જોડ્યા.
1950માં, તેમણે એકાઉન્ટન્ટ જનરલ ઓફિસના વિપશ્યના સંગઠન ની સ્થાપના કરી, જ્યાં ગૃહસ્થ લોકો, ખાસ કરીને ઓફિસના કર્મચારીઓ વિપશ્યના શીખી શકે. 1952માં, રંગૂનમાં પ્રખ્યાત સ્વેડાગોન પેગોડા થી બે માઈલ ઉત્તરમાં, અંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્ર (IMC) ખોલવામાં આવ્યું. અહીંયા ઘણા બર્મી અને વિદેશી સાધકોનું સયાજી પાસેથી ધર્મ ની સૂચનાઓ મળવાનું સદ્ભાગ્ય રહ્યું.
સયાજી છટ્ઠૂં સંગાયન (છટ્ઠી સંગીતિ)ના નામે ઓળખાતી છટ્ઠી બૌદ્ધ સમિતિ જે રંગૂનમાં 1954 થી 1956 માં યોજાઈ તેના આયોજનમાં સક્રિય હતા. 1950માં સયાજી બે સંસ્થાઓના સ્થાપક સદસ્ય હતા જેમનું પછીથી મહાન સમિતિ ની મુખ્ય આયોજક મંડળી બર્મા બુદ્ધ શાસન સમિતિ નો સંઘ {the Union of Burma Buddha Sasana Council (U.B.S.C.)} બનાવા માટે એકીકરણ કરી દેવામાં આવ્યું. ઉ બા ખિને U.B.S.C.ના એક્ઝિક્યુટિવ સદસ્ય તરીકે અને પટીપત્તિ (ધ્યાનનો અભ્યાસ) ની સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી અને સમિતિના માનદ ઓડિટર રહ્યા. નિવાસ સ્થાન, ભોજનાલય અને રસોડાં, હોસ્પિટલ, લાઈબ્રેરી, મ્યુઝિયમ, ચાર હોસ્ટેલ, અને વહીવટી સદનો માટે 170 એકર પર ફેલાયેલ વિસ્તૃત બાંધકામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આખા એન્ટરપ્રાઇઝનું કેન્દ્ર બિંદુ મહા પસનગુહા (મહાન ગુફા) હતી, ખૂબ મોટો હૉલ જ્યાં બર્મા, શ્રીલંકા, થાઈલેંડ, ભારત, કમ્બોડિયા અને લાઓસ થી આવેલા લગભગ પાંચ હજાર ભિક્ષુઓ તીપિટક (બૌદ્ધોનો ગ્રંથ) નો પાઠ કરવા, શુદ્ધ કરવા અને છાંટણી કરવા ભેગા થયા. ભિક્ષુઓએ ટુકડીઓમાં કામ કરી બર્મા, શ્રીલંકા, થાઈલેંડ અને કમ્બોડિયાના સંસ્કરણો અને લંડનની પાલી સાહિત્ય સમાજ (Pali Text Society) ના રોમન લિપિ સંસ્કરણ ની સરખામણી કરીને પ્રકાશન માટે પાલી સાહિત્ય તૈયાર કર્યું. સુધારેલ અને મંજૂર કરેલ સાહિત્યનો મહાન ગુફામાં પાઠ કરવામાં આવ્યો. દસ થી પંદર હજાર ગૃહસ્થ પુરુષો અને મહિલાઓ ભિક્ષુઓના પાઠને સાંભળવા આવ્યા. સયાજી U.B.S.C. સાથે જુદા જુદા પદ પર 1967 સુધી સક્રિય રહ્યા. આવી રીતે તેમણે એક ગૃહસ્થ અને સરકારી અધિકારી તરીકે તેમની જવાબદારીઓ અને કૌશલ્યનો તેમની બુદ્ધની શિક્ષાને ફેલાવાની તીવ્ર ધર્મ મનોવૃત્તિની સાથે સમન્વય કર્યો. એ પ્રયોજનને અગ્રણી જાહેર સેવા આપવા સાથે સાથે, તેમણે તેમના કેન્દ્ર પર નિયમિતરૂપે વિપશ્યના શીખવાડવાનું ચાલુ રાખ્યું. છેવટે 1967માં સયાજી તેમની સરકારી નોકરીની ઉત્કૃષ્ટ કારકિર્દી થી નિવૃત્ત થયા. તે સમય થી, જાન્યુઆરી 1971માં તેમના મૃત્યુ સમય સુધી, તેઓ વિપશ્યના શીખવાડતા I.M.C. પર રહ્યા.
એમની ખૂબ અપેક્ષાયુક્ત સરકારી જવાબદારીઓના લીધે, સયાજી ફક્ત નાની સંખ્યામાં વિદ્યાર્થીઓને શીખવાડી શકતા હતા. એમના ઘણા બર્મી સાધકો એમના સરકારી કામકાજ સાથે જોડાયેલા હતા. ઘણા ભારતીય સાધકો ગોએંકાજી દ્વારા પરિચય કરાવેલ હતા. અમુક પશ્ચિમી લોકો જે છટ્ઠી સમિતિમાં આવ્યા હતા તેઓને ધ્યાનની સૂચનાઓ માટે સયાજીનો સંદર્ભ અપાતો કારણ કે તે સમયે વિપશ્યનાના બીજા કોઈ આચાર્ય નહોતા જે અંગ્રેજી સારી રીતે જાણતા હતા. સયાજીના વિદેશી સાધકો નાની સંખ્યામાં પણ વિવિધ પ્રકારના હતા, જેમાં પશ્ચિમી બૌદ્ધો, વિદ્વાનો, અને રંગૂનમાં આંતરરાષ્ટ્રીય રાજનૈતિક સમુદાયના સદસ્યોનો સમાવેશ થાય છે. સમય સમય પર સયાજીને બર્મામાંના વિદેશી શ્રોતાઓને ધર્મ પર સંબોધન કરવા આમંત્રિત કરાતા. આ ભાષણો પુસ્તિકાના રૂપમાં પ્રકાશિત થઈ અને એમાં બૌદ્ધ ધર્મ શું છે (What Buddhism Is) અને ખરા બૌદ્ધ ધ્યાનનું વાસ્તવિક મૂલ્ય (The Real Values of True Buddhist Meditation) નો સમાવેશ થાય છે.
ગોએંકાજી ભારતમાં શિબિરનું સંચાલન કરી રહ્યા હતા જ્યારે તેમના આચાર્યના મૃત્યુના સમાચાર તેમને પહોંચ્યા. તેમણે IMC ને પાછો ટેલીગ્રામ મોકલ્યો જેમાં પ્રસિદ્ધ પાલી ગાથા હતી:
અનિચ્ચાવત સંખારા,
ઉપ્પાદવય-ધમ્મીનો.
ઉપ્પજ્જિત્વા નિરુજ્જંતિ,
તેસં વુપસમો સુખો.
આ પદનું અંગ્રેજી અનુવાદ આ પ્રમાણે છે:
સાચે જ, જે કઈં સંસ્કૃત છે, તે અનિત્ય છે,
ઉત્પન્ન થવું, નાશ પામવું, એજ એમનો ધર્મ છે.
જેટલું ઉત્પન્ન થઈ, નિરુદ્ધ થયું,
તેમનું ઉપશમન જ સુખ છે.
એક વર્ષ પછી, એમના આચાર્ય પ્રત્યે ઋણપ્રદર્શન કરતાં, ગોએંકાજીએ કહ્યું, “એમના ગુજરી ગયાને એક વર્ષ પછી પણ, શિબિરોની સતત સફળતા જોઈ, મને વધારેને વધારે ખાતરી થતી જાય છે કે એ તો એમની મૈત્રી છે જે મને આટલા બધા લોકોની સેવા કરવા આટલું બધું પ્રોત્સાહન અને શક્તિ આપે છે...... એ તો સ્પષ્ટ છે કે ધર્મની શક્તિ અપાર છે. સયાજીની આકાંક્ષાઓ પરિપૂર્ણ થઈ રહી છે. આ બધી સદીઓથી કાળજીપૂર્વક સચવાયેલી બુદ્ધની શિક્ષાઓનો (ઉપદેશો નો) હજુ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જેના પરિણામો અહીં અને અત્યારે જ આવતા હોય છે.”
સયાજી ઉ બા ખિન વિશે વધુ માહિતી પરિયત્તિ પર ઉપલબ્ધ છે.